શેફાલી કોર કલેર
હવે ગુજરાત પણ પ્રવાસીઓને આવકારી રહ્યું છે…
વેકેશનની શરૂઆત થાય એટેલે લોકો ડેસ્ટિનેશનની પણ શોધખોળ ચાલું કરી દેતા હોય છે. જ્યારે નવા ડેસ્ટિનેશન માટે ઘણાં બધા સવાલો આપણા મનમાં હોય છે. અલગ અલગ વ્યક્તિના અનુભવો પણ અલગ અલગ હોય છે. પરંતુ હવે માત્ર થોડા કિલોમીટરમા તમે સેલ્ફ ડ્રાઇવ કરીને પણ ગુજરાતના બેસ્ટ ડેસ્ટિનેશન પર ફરવા જઇ શકો છો. ગુજરાતમાં પણ હવે એવી જગ્યાઓ તૈયાર થઇ ગઇ છે જ્યા તમે તમારી રજાઓની મજા માણી શકો છો. દ્રારકાનો શિવરાજપુર બીચ, સાસણ ગીર, ધોળાવીરા, માધવપુર બીચ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નાડાબેટ જેવા વિવિધ ડેસ્ટિનેશનને પ્રવાસીઓને આકર્ષવા માટે ખાસ પ્રકારની સુખ સુવિધાઓ સાથે એક નવા રૂપમાં તૈયાર કરવામાં આવ્યા છે. આ દરેક સ્થળનું મુખ્ય આકર્ષક શું છે તેની વિસ્તારપૂર્વક માહતી આ સ્ટોરી દ્વારા આપવાની કોશિશ અમે કરી છે.
1) દ્વારકાનો શિવરાજપુર બીચ દેશનો પ્રથમ બ્લુ ફ્લેગ બીચ…
દ્વારકાથી 10 કિ.મીના અંતરે આવેલો એશિયાનો બીજા નંબરનો શિવરાજપૂર બીચ ભારતનો પ્રથમ બ્લુ ફ્લેગ બીચ તરીકે પણ ઓળખાય છે. જ્યાં તમને દરિયાઇ જીવસૃષ્ટિનો અનોખો નજારો પણ જોવા મળશે. ગોવાને પણ ટક્કર મારે એવો શિવરાજપુર બીચ એશિયાનો બીજા નંબરનો બીચ છે. આ બીચનો દરિયાઇ કાંઠો લાંબો છે અને ક્રિસ્ટલ ક્લિયર પાણીથી દરિયાઇ જીવસૃષ્ટિનો અનોખો નજારો જોવા મળે છે. આ માટે જ ડેન્માર્કમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા, ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ચારધામ માના એક ધામ એવા દ્વારકા નજીક આવેલ આ શીવરાજપુર બીચ વિશ્વના પ્રસિદ્ધ 76 બીચમાંનો એક બીચ છે અને ભારત સરકાર દ્વારા એશિયાના બીજા નંબરના બીચ તરીકે તેની પસંદગી કરવામાં આવી છે. શિવરાજપુર બીચમાં વિશાળ સમુદ્રકિનારો આવેલો છે, સાથે સાથે મનભરીને બોટિંગ, સ્કુબા ડાઇવિંગ, દરિયાના છીંછરા પાણીમાં સ્નાન, હોર્સ રાઇડિંગ, સેન્ડ રિક્ષા ડ્રાઇવિંગ જેવી સુવિધાઓ બીચ પર તૈયાર કરવામાં આવી છે. બીચ પર ટોઇલેટ, બાથરૂમ, જોગિંગ ટ્રેક અને ચેન્જિંગ રૂમ તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયા વગેરે સહિતની સુવિધા વિકસાવવામાં આવી છે.શિવરાજપુર બીચ પર કંઈ રીતે પહોંચી શકાય
દ્વારકાથી શિવરાજપુર આશરે 10 કિમીના અંતરે આવેલું છે અને ઓખાના મુખ્ય માર્ગ પર આવેલું છે. આ બીચ પર જવા માટે દ્વારકાથી ટ્રાવેલ્સ અને છકડામાં અથવા ગાડી દ્વારા પણ જઇ શકાય છે. ઓખાના મુખ્ય હાઇવે પરથી એક કિલોમીટર દૂર સમુદ્રકિનારે આ બીચ આવેલો છે.
2) વલર્ડ હેરિટેજ યાદીમાં સામીલ ગુજરાતનું ધોળાવીરા….
ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્ત નગર છે. જે ભૂજથી 200 કિલોમીટર ઉત્તરમાં ખાદીરબેટ આવેલો છે. આ બેટ પર ધોળાવિરા ગામ વિક્સયુ છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે. આ નગરમાં પાણીની વ્યવસ્થા, રાજમહેલ, પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જેવી અનેક વસ્તુઓ ત્યાં જોવા જેવી છે. ત્યાંના સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે.
હજારો વર્ષ જુનુ આ નગર ત્યાંની , લિપિ અને ખાસ પાણી સંગ્રહ કરવાની રીતથી વધારે જાણીતું છે. પ્રાચીન ભારતનું સ્માર્ટ સિટી તરીકે જાણીતું ધોળાવીરા એક અલગ પ્રકારના આયોજન દ્વારા તૈયાર કરવામા આવેલું એક માત્ર શહેર હતું. માત્ર પાણીનો સંગ્રહ જ નહિં પરંતું પુરથી બચાવાના કાર્યો, સ્ટેડિયમ સહિતાના સ્થળો પણ માત્ર ધોળાવીરામાં જ હતાં. અન્ય કોઇ હડપ્પન શહેરમાં આવી યોજના નોહતી. ધોળાવીરામાં 10 અક્ષર ધરાવતુ સાઇન બોર્ડ મળી આવ્યું છે. જે જગતનું સૌથી પહેલુ સાઇ બોર્ડ માનવામાં આવે છે. આ સાઇન બોર્ડ ચિત્ર લિપિ દ્વારા બનાવવામાં આવ્યું છે. પરંતુ તેના પર શું લખ્યું છે તે હજી સંશોધકો ઉકેલી શક્યા નથી. જેના અક્ષર જિપ્સમથી બનાવવામાં આવ્યા છે. નગરને ખાલી કરતી વખતે લોકોએ આ સાઇન બોર્ડ પ્રવેશદ્વાર પરથી હટાવીને એક રૂમમાં મૂકી દીધું હતું. જેથી તે સુરક્ષિત મળી આવ્યું છે. આ જગ્યાની વિઝિટ કરતી વખતે કહેવાય છે કે તમારે પીવાના પાણીની વ્યવસ્થા જાતે કરીને જવું આ ઉપરાંત શાકાહારી ભોજન તમને મળી રહે છે. હજારો વર્ષ જૂની આ પ્રાચીન સંસ્કૃતીનો નજારો એક વાર જરૂર જોવા જેવો છે.
પ્રાચીન સંસ્કૃતિનો નજારો જોવા ધોળાવીરા કેવી રીતે પહોંચી શકાય…
- હવાઇ માર્ગે ભુજ હવાઇ મથક પર ઉતરી ધોળાવીરા સડક માર્ગે ભચાઉથી વાહન દ્વારા જઇ શકાય છે.
- રેલ્વે દ્વારા અમદાવાદથી ભુજ સામખીયાળી ઉતરી સડક માર્ગે વાહન દ્વારા પહોંચી શકાય છે.
- સડક માર્ગેઅમદાવાદ, પાલનપુર, રાપર અથવા ભચાઉ પહોંચી ધોળાવીરા જઇ શકાય છે.

3) સિંહોની ત્રાડ જેવો ઘુઘવાટા કરતો સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો એટલે માધવપુર બીચ…
ઉનાળાની શરૂઆત થાય એટલે આપણે ગોવા, દિવ, અદામન- નિકોબાર જેવા સમુદ્ર કિનારે જવાનું પ્લાનિંગ કરતા હોઇએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આ બધા બીચને પણ ટક્કર આપતો ગુજરાતનો માધવપુર બીચ છે. પોરબંદરનો આ રમણીય બીચ એટલો સુંદર છે કે ત્યાંના પાણીની શુદ્ધતા જોઇને પણ એક વાર પગ પલાળવાનું મન થઇ જશે. કેમલ રાઇડ કરીને તમે દરિયાકાંઠાની મજા માણી શકો છો. આ ઉપરાંત બીચ પર જ ઘણી પ્રાઇવેટ હોટલો પણ વિક્સાવવામાં આવી છે. જ્યાં રાત્રીના સમયે હોટલની બાલ્કનીમાંથી સમુદ્રના પાણીના સુસવાટા પણ સાઁભળી શકો છો.
માધવપુર ઘેડ મહત્વનું દરિયાકાંઠાનું ગામ છે. જેની આજુબાજુના વિસ્તારને ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય છે. જ્યાં દર વર્ષે ચૈત્ર સુદ નોમથી સાત દિવસનો માધવપુર ઘેડ એટલે કે માધવપુર મેળો થાય છે. કહેવાય છે કે શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્ન પ્રસંગની યાદગીરીમાં આ મેળો થાય છે. આ દરિયાકાંઠાની રેતી લીસી રેશમ જેવી છે. આ ભૂમીને ભગવાન શ્રીકૃષ્ણની લગ્ન ભૂમી તરીકે ઓળખાય છે. માધવપુર ઘેડમાં શ્રી માધવરાયજીનું પૌરાણિક 14મી – 15મી સદીનું મંદિર પણ આવેલું છે. આ ઉપરાંત ઓસો આશ્રમ પણ દરિયા કિનારે સ્થાપિત છે. આ દરિયાનું પાણી શાંત અને ભૂરા રંગનું છે. તેમજ હોટલ, રેસ્ટોરેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સારી સુવિધાના કારણે આ બીચ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યું છે. તેમજ આ બીચને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઇને કેટલીક યોજનાઓ પર કામગીરી હાથ ધરી છે. અનેક ફિલ્મો તથા સિરિયલોના શુટિંગ પણ આ બીચ પર થાય છે.
જુનાગઢના આ બીચ પર કેવી રીતે પહોંચશો…
- માધવપુર જુનાગઢની નજીક આવેલું છે. તેથી જુનાગઢ પહોંચવા માટે અમદાવાદ, રાજકોટ, પોરબંદર જેવા સ્થળેથી ખાનગી અને સરકારી વાહન મળી શકે છે. રેલવે થકી જવું હોય તો અમદાવાદ અને રાજકોટથી આસાનીથી રેલવે મળી શકે છે.

4) ભારત પાકિસ્તાનની બોર્ડર જોવી છે તો ઉપડી જાવ નાડાબેટ
માત્ર થોડા સમયમાં જ પ્રખ્યાત બનેલું નાડાબેટમાં વગર વિઝાએ પાકિસ્તાન જોવા મળી જાય. ભારત પાકિસ્તારનની બોર્ડર જોવા માટે હવે વાઘા બોર્ડર જવાની જરૂર નથી. ગુજરાતના પાલનપુરથી 117 કિલોમીટર દૂર આવેલ નાડાબેટ તમને ભારત પાકિસ્તાનની સરહદ કેવી હોય તેનાથી માહિતગાર કરે છે. ભારત પાકિસ્તાનની સીમાના દર્શન માટે ખાસ દૂર દૂર થી અહિયા લોકો આવે છે. નાડાબેટમાં ત્રણે ઋતુઓનો એક સાથે અનુભવ થાય છે. આ વિસ્તારમાં દૂર દૂર સુધી સપાટ મેદાન, ક્ષારયુક્ત જમીન, ઉનાળાની અસહ્ય ગરમી, શિયાળાની હાડ થિજાવતી ઠંડી અને અચોક્કસ ચોમાસું, ક્યારેક મન મૂકી વરસે છે. આજુબાજુની નદીઓનું પાણી અને આ રણ પ્રદેશમાં જમા થયેલા વરસાદી પાણી, જ્યારે સુકાય ત્યારે એક સફેદ રંગનું આવરણ ધરતીને સુંદર બનાવે અને આ સફેદ રણ પ્રવાસીઓને અહીં ખેંચી લાવે છે. આ ઉપરાંત શિયાળામાં અહીં યાયાવર પક્ષીઓનાં ધાડાં ઊતરી આવે છે, જેમાં રૂપેરી પેણ, કરકરા, કુંજ મુખ્ય હોય છે. એની સાથે અહીં વસતા નાના હંજ, મોટા હંજનાં ટોળાં નડાબેટ જવાનાં મુખ્ય માર્ગની બન્ને બાજુ મોટી સંખ્યામાં જોવા મળે. આ સાથે ખાણી-પીણીના શોખીન લોકો માટે અહીં ગુજરાતના પ્રખ્યાત એવા મોટાભાગનાં વ્યંજનો બનાવતી દરેક કંપનીના સુંદર સ્ટોલ પણ આવેલા છે. સીમા દર્શનની સાથે સાથે પાકિસ્તાનના પર્વત પર આવેલ માતાજીનું મંદિર પણ અહિયાથી દેખાય છે. મુખ્ય પર્યટન સ્થળથી પાકિસ્તાનની સીમા વચ્ચેનું અંતર ફક્ત 25 કિ.મી. છે અને મુખ્ય સીમાથી ફક્ત 150 મીટર છે. સુંદર રસ્તાઓ, વાહન પાર્કિંગ માટેની પૂરતી જગ્યા છે જ્યારે સ્વચ્છ વોશરૂમની પણ વ્યવસ્થા અહિ કરવામાં આવી છે. ભારતીય જવાનોનાં ચિત્રોથી સુશોભિત બસની વ્યવસ્થા, માહિતીની આપ-લે કરવા અનુભવી ગાઈડ ઉપરાંત એક આંતરરાષ્ટ્રીય કક્ષાની સિસ્ટમ અહીં ઊભી કરવામાં આવી છે. જેના દ્વારા પ્રવાસી પણ આ સ્થળનો ભરપૂર આનંદ મેળવી શકે. યુદ્ધમાં વપરાયેલાં મિગ-27 વિમાન અને ટી-55 ટેન્ક અહીં પ્રદર્શનરૂપે મૂકવામાં પણ આવ્યાં છે. આ ઉપરાંત અહિંયા એક સુંદર મ્યુઝિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં સરહદની ગાથા, યુદ્ધમાં વપરાયેલાં હથિયારોનો પણ સમાવેશ છે. આ બધાની સાથે સાહસિક રમતો, સેલ્ફી પોઈન્ટ, ફૂડ કોર્ટ, સોવેનિયર શોપ અને આ સ્થળનું મુખઅય આકર્ષક એવા રિટ્રીટ સમારંભ (સેરમની), જે સૂર્યાસ્ત સમયે શરૂ થાય છે અને 45 મિનિટ ચાલે છે, જેમાં BSFના જવાનોનો જુસ્સો અને શિસ્તબદ્ધતા જોવા મળે છે.કેવી રીતે પહોંચશો નાડાબેટ…
- અમદાવાદ એરપોર્ટ પરથી નાડાબેટ 203 કિ.મી.ના અંતરે છે જેથી તમે ગાડી લઇને પણ જઇ શકો છો. જો ટ્રેનમાં જવા માંગતા હોવ તો પાલપુર કે પછી આબું રેલ્વે સ્ટેશનથી નાડાબેટ 150 કિ,મીની આસપાસ છે.

5) સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાં એટેલે “સ્ટેચ્યુ ઓફ યુનિટી”
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ગુજરાતમાં નર્મદા નદી પર બનાવવામાં આવેલ સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટર દૂર આવેલી 182 મીટર ઊંચી અને વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાને સાત કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે. જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ આપવામાં આવ્યુ છે. છેલ્લા બે – ત્રણ વર્ષથી ગુજરાતમાં પ્રવાસ માટેની આ સોથી આકર્ષણ ધરાવતી જગ્યા છે. જ્યાં સરદાર વલ્લભભાઈની વિશ્વની સૌથી ઊચી પ્રતિમાંની સાથે સાથે જોવા જેવી અનેક સ્થળો અંહિયા તૈયાર કરવામાં આવ્યા છે. કહેવાય છે કે જો ત્રણ કે ચાર દિવસના પ્રવાસનું પ્લાનિંગ કરતા હોવ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બેસ્ટ પ્લેસ છે. જેમ કે
–વિશ્વ વન – આ વનમાં સાત ખંડની ઔષધિના વનસ્પતિ, છોડ તથા વૃક્ષો છે. આ જંગલનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે જોનાર વ્યક્તિને જે-તે ઝોનના કુદરતી જંગલની જ અનુભૂતિ થાય છે.
– એકતા નર્સરી: કહેવાય છે કે આ નર્સરી શરૂ કરવા પાછળ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ એવો હતો કે જ્યારે પણ પ્રવાસીઓ અહીંથી ફરીને પાછા ઘર તરફ જાય ત્યારે તેઓ આ નર્સરીમાંથી ‘પ્લાન્ટ ઓફ યુનિટી’ નામે એક રોપો લઈ જાય. આ નર્સરીમાં જાત ભાતના વિવિધ છોડ પણ એક અલગ અકર્ષણનું કેન્દ્ર ઊભુ કરે છે.
– બટરફ્લાય ગાર્ડન: કુદરતી સાનિધ્યમાં બાળકો પણ કુદરતનની રંગબેરંગી રચનાઓ જોઇ શકે તે માટે ખાસ બટરફ્લાય ગાર્ડનનું નિર્માણ કરાયું છે. 6 એકરમાં ફેલાયેલા આ વિશાળ ગાર્ડનમાં 45 જાતિના છોડ અને 38 પ્રજાતિનાં પતંગિયાં જોવા મળે છે.
કેકટસ ગાર્ડન – આ ગાર્ડનમાં આખું થોળથી બનાવવામાં આવ્યું છે. જ્યાં અલગ અલગ પ્રકારના અને આકારના થોળ અહિંયા ઉગાડવામાં આવ્યા છે.
એકતા ઓડિટોરિયમ – 1700 ચોરસમીટરનો એરિયા ધરાવતો એક મોટો કોમ્યુનિટી હોલ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 700 વ્યક્તિની બેસવાની કેપેસિટી છે. જેને એકતા ઓડિટોરિય કહે છે. આ ઑડિટોરિયમમાં સંગીત, નૃત્ય, નાટક, કાર્યશાળા, ફૂડ, આર્ટ અને સાહિત્ય ઉત્સવ જેવા સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે.
આ ઉપરાંત રિવર રાફ્ટિંગ, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી બે કિ.મીના અંતરે આવેલ જંગલ સફારી અને સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રહેવા માટે સરકાર દ્વારા ટેન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેનું તમારે બુકિંગ પહેલેથી જ કરાવી લેવું પડે છે. તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફરવા માટે વ્યક્તિ દીઠ 3000 જેટલી ટિકીટનો ખર્ચ થાય છે.

6) રામવન જે તમારી સામે રજૂ કરશે રામાયણ સુંદર પ્રસંગો….
ગુજરાતના રાજકોટમાં 47 એકર એટલે કે 117 વીઘાની જગ્યામાં રામ વન તૈયાર થયું છે. રાજકોટના આજીડેમ નજીક તૈયાર થયેલ આ રામવનની વિશેષતા એ છે કે, ભગવાન રામે કરેલા 14 વર્ષના વનવાસના પ્રસંગો તથા તેમના જીવન ચરિત્ર સાથે સંકળાયેલા પ્રસંગોની વિવિધ ઝાંખીઓ સ્ટેચ્યુ દ્વારા અહિં રજૂ કરવામાં આવ છે. સૌરાષ્ટ્ર ફરવા જતા હોવ તો વન ડે પિકનીક રાજકોટના આ રામવનમાં કરી શકાય છે. રામ વનના પ્રવેશ દ્વારથી અંદર પ્રવેશતાની સાથે જ તમને 30 ફૂટ લાંબી ભગવાન શ્રી રામની પ્રતિમાં જોવા મળશે. ધનુષ આકારના પ્રવેશ દ્રારથી અંદર ગયા બાદ ભગવાન શ્રી રામના દર્શન થશે અને ત્યાર બાદ રામ લક્ષ્મણ જાનકીની વનવાસ પ્રતિમા, ગીધરાજ જટાયુ દ્વાર, ભગવાન રામ અને શબરી મિલનની પ્રતિકૃતિ, રામ સેતુ, સંજીવની પર્વત સાથે હનુમાનજીની પ્રતિમા, રામ સીતા અને હરણ, કેવટ મિલન, રામ અને સુગ્રીવસેના, તેમજ ભગવાન શ્રીરામના રાજ્યભિષેક સમયની પ્રતિકૃતિઓ અહીંયા રાખવામાં આવી છે.આ ઉપરાંત ઋષિમુનિઓ દ્વારા જંગલમાં જે રીતે યોગ કરવામાં આવતા તેની મુદ્રાઓ પણ સ્કલ્પ્ચર દ્વારા રજૂ કરવામાં આવી છે. 800થી પણ વધું વૃક્ષોમાં ઘેરાયેલ આ રામવનમાં દરેક રસ્તાઓને પણ રામાયણ આધારિત નામ અપાવામાં આવ્યા છે. જેમાં વાલ્મીકિ પથ, કેવટ પથ, તુલસી પથ , નીલ પથ, નલ પથ, લક્ષ્મણ પથ, હનુમંત પથ, રાક્ષસ પથ,વિભિષણ પથ, શત્રુઘ્ના પથ, સુગરીવ પથ ,જામવન પથ સહિતના વિવિધ માર્ગો આવેલા છે. બાળકોના રમવા માટે પ્લે એરિયા પણ અહિયાં છે. જ્યારે જે વડિલો ચાલી નથી શકતા તેમના માટે ઇલેક્ટ્રિક કારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.કેવી રીતે પહોંચશો રામવન….
રાજકોટના આજીડેમ પાસે વિક્સિત આ રામવન જવા માટે સૌ પ્રથમ રાજકોટ પહોંચવું પડે. જ્યાં તમે ટ્રેન કે બાય કાર પણજઇ શકો છો. રાજકોટથી માત્ર 30થી 45 મીનીટના અંતરે આ રામન આવેલું છે.
7) ગુજરાતમાં સિંહોનુ જંગલ એટલે સાસણ – ગીર….
જૂનાગઢ, અમરેલી અને ભાવનગર એમ ત્રણ જીલ્લામાં ફેલાયેલ ગીર
ભારતનું એકમાત્ર એવું જંગલ છે જ્યાં જંગલનો રાજા સિંહ નું કુદરતી નિવાસસ્થાન છે. અહિં સિંહ, સિંહણો, બાળ સિંહો મજેથી રહી રહ્યાં છે. જુનાગઢથી માત્ર 50 કિમીના અંતર પર આવેલ છે સાસણ – ગીર.
સાસણ જંગલ સફારીમાં બે રીતે જઇ શકાય છે. એક દેવળિયાથી અને બીજી સિંહસદનથી. દેવળિયા પાર્કમાં તમે બસમાં બેસીને સિંહ દર્શન કરી શકો છો. જેમા ઓછા સમયમાં વધું સિંહ તમે જોઇ શકો છો. આ ઉપરાંત હરણ, સાબર, દિપડા પણ તમને દેવળિયા પાર્કમાં જોવા મળશે. જો ઓછા સમયમાં વધું સાવજ જોવા હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. દેવળિયા પાર્ક માટે એડવાન્સ બુકિંગ કરાવવાની જરૂરિયાત રહેતી નથી. જ્યારે નેશનલ પાર્ક માટે એડવાન્સ બુકિંગ કરાવવું પડે છે.
નેશનલ પાર્કમાં જીપમાં બેસીને જવાય છે. આ જીપ આખા જંગલમાં ફેરવે છે, જેમાં સિંહ ઉપરાંત દીપડા, સાબર અને હરણના ટોળા, સસલાં, નીલગાયો, મોર, જેકલ, શિયાળ, વાંદરા ઉપરાંત ૪૦ જેટલી જાતનાં પ્રાણીઓ તેમની મોજમાં જીવતાં દેખાય છે. આ સાથે નોળિયા, સાપ, મગરમચ્છો, કાચબા, ૩૬૦ ડિગ્રી ડોક ફેરવતો ઘુવડ પણ જોવા મળી જાય છે. શિયાળામાં ગીરના મહેમાન બનતાં જાતજાતનાં યાયાવર પક્ષીઓ પણ સફારી દરમ્યાન તમને એક ઝલક આપી દે છે. સાગનાં વૃક્ષો સહિત અનેક જાતનાં જંગલનાં વૃક્ષોનો પરિચય પણ થાય. જંગલનો જો ખરેખર અનુભવ કરવો હોય તો જીપ દ્વારા કરી શકાય છે. આ સફારીનું ઍડવાન્સ બુકિંગ કરાવી લેવું.
આ સાથે સાસણ ગીરમાં ફાઇવ સ્ટાર રિસોર્ટ પણ ઘણાં ડેવલપ કરવામાં આવ્યા છે. જો તમે ત્રણ ચાર દિવસનું પ્લાનિગ કરતા હોવ તો સાસણ ગીર બેસ્ટ ઓપ્શન છે. સાસણ – ગીર જાવ તો જુનાગઢમાં સક્કરબાગ ઝુ, દામોદર કુંડ, વિલિંગડન ડેમની પણ મૂલાકાત લઇ શકો છો.
સાવજને મળવા કેવી રીતે પહોચશો… જુનાગઢથી સિંહોનું ઘર ટલે કે સાસણ માત્ર 50 કિ.મી.ના જ અંતરે હોવાથી તમારી જૂનાગઢ સુધી બાય ટ્રેન, બસ કે પોતાની કાર દ્વારા પણ પહોંચી શકાય છે. આ ઉપરાંત જો બાય રોડ જો તુલસી શ્યામ વાળો રસ્તો લેવામાં આવે તો તમને રસ્તામાં જ ઘણાં હરણો અને સાબરો મોજ મસ્તી કરતા જોવા મળી જશે.